સ્વાર્થ (Swarth)
લેખકના બે બોલ
અમદાવાદમાં ગુલબાઈના ટેકરે શ્રી પ્રમુખલાલભાઈને ત્યાં રોટલા જમવાનું આમંત્રણ હતું . ત્યાં બધા ભાઈઓ મળ્યા હતા . ‘જિજ્ઞાસા’ , ‘શ્રદ્ધા’ , ‘ભાવ’ , ‘નિમિત્ત’ , ‘રાગદ્વેષ’ , ‘કૃપા’ , ‘કર્મઉપાસના’, ‘શ્રીસદ્દગુરુ’ એ વિષય ઉપર જુદા જુદા સદ્ભાવીએ મને લખવાનું સૂચવ્યું . તેઓએ માત્ર લખવાનું સૂચવ્યું એટલું જ નહિ , પરંતુ તેનો પ્રકાશનખર્ચ પોતે માથે લઈ લેવાનું પ્રેમથી સ્વીકાર્યું અને તે છપાયેલાં પુસ્તકો વેચી આપવાનું પણ કબૂલ્યું . તેથી , श्रीहरि – કૃપાથી પરમાર્થમાં મદદ મળ્યાં કરી . વાતવાતમાં શ્રી પ્રમુખલાલભાઈએ મને ‘સ્વાર્થ’ ઉપર લખવા સૂચવ્યું અને પોતે તેનો ખર્ચ આપશે અને તે વેચી પણ આપશે એમ જણાવ્યું . આ સાંભળી એમ પ્રત્યાઘાત થયો કે ‘સ્વાર્થ’ વિશે શું લખવું ? એ તો ઉઘાડો જ છે , અને સ્વાર્થને તો બધાં જ ઓળખે છે . એ વિશે ઊંડું શું લખાય ? ’ વળી પાછું એમ થયું કે ‘ નાનામાં નાનું ભલેને અર્થ કે રહસ્ય વિનાનું હોય , છતાં તે વિશે શાસ્ત્ર કે વિજ્ઞાન જેવું લખાય ત્યારે જ ઉત્તમ .’ આવો વિચાર ઉદ્ભવ્યો અને श्रीहरि થી પ્રેરણા થઈ . એવામાં શરીરની – પેટની ભયંકર વેદના પ્રગટી અને દવાખાનામાં શરીરને દાખલ થવું પડ્યું . તે ગાળામાં ‘સ્વાર્થ’ અંગે માત્ર થોડુંક જ લખાયું હતું , તે પૂરું કરવામાં श्रीहरि થી દિલ લગાડવાનું થયું અને તે દવાખાનામાં જ પૂરું થયું .
આ ‘સ્વાર્થ’ લખવા જેમણે મને પ્રેર્યો , તેમનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું . ‘સ્વાર્થ’ વિશે આવડ્યું તેવું ગાયું છે . એમાં જે દોષ હોય તે મારો છે . જે કંઈ સારું હોય તે श्रीहरिનું છે . સજ્જનો ફોતરાં ફોતરાં ફેંકી દઈ , કુશકા કાઢી નાખી ઉત્તમ ગ્રહવા કરવા જેવું લાગે તે ગ્રહણ કરશે એવી વિનંતી – પ્રાર્થના છે .
–મોટા
સ્થળ:- પી.ટી. જનરલ હોસ્પિટલ ,
બાલાજી રોડ , સુરત , તા . ૧૯-૨-૧૯૭૩