સ્વસાધના-કાળમાં પૂજ્ય શ્રીમોટા રચિત પ્રાર્થના
‘ તુજ ચરણે ’ ના ઉદ્ભવ અંગે
પ્રશ્ન : મોટા , ‘ તુજ ચરણે ’ હિમાલયનો પ્રવાસ કરતાં પહેલાં લખાયેલું ?
ઉત્તર : હા , પણ તેની પાછળ એક વાત છે . જ્યારે મારી ઉંમર ૨૪-૨૫ વર્ષની હશે ત્યારે નડિયાદ માં મેથડિસ્ટ્ ચર્ચના એક પાદરી – અમેરિકન ત્યાં હતા . તેમણે આપણા ધર્મ અને દેવદેવીઓ સંબંધે વાત કરી અને કહ્યું , ‘ તમારામાં ઘણાં બધાં શાસ્ત્રો , ઘણાં દેવદેવીઓ અને ગૂંચવાડો થાય એવું શાસ્ત્રપુરાણ વગેરે છે . જ્યારે અમારે ત્યાં એક જ ધર્મ અને એક જ ઈશ્વર ! ’ ત્યારે મેં કહ્યું , ‘ ના , એવું નથી . જુદી જુદી રુચિના જુદા જુદા માણસોને માફક આવી જાય તે રીતે ધર્મની વાતો અને આચારો નક્કી કરવામાં આવ્યાં છે .અમે પણ એક જ ઈશ્વરમાં અને એક જ પરમતત્ત્વમાં માનીએ છીએ . ’ ત્યારે પેલા પાદરીભાઈ કહે , ‘ મારા જોવામાં એવું કંઈ આવ્યું નથી . ’ એટલે તે જ દિનની રાતે સળંગ જાગતો બેસીને મેં તુજ ચરણે ’ લખી નાખ્યું અને બીજે દિવસે પાદરીભાઈને તે કાવ્ય બતાવ્યું . તેના લેખક કોણ છે , તે બતાવ્યું નહિ . તે ગુજરાતી જાણે એટલે તેમના કહેવાથી મેં આખું કાવ્ય વાંચી સંભળાવ્યું . તે સાંભળીને તે રાજી થયા . આમ , આમાં સાકાર અને નિરાકાર બંને રીતના પ્રભુનો , તેની ભક્તિનો ઉલ્લેખ છે અને વિશેષમાં આ કાવ્યના વેચાણમાંથી જે પૈસા મળ્યા , તેમાંથી મેં હિમાલયનો પહેલો પ્રવાસ ખેડ્યો .
– શ્રીમોટા
‘ શ્રીમોટા સાથે વાર્તાલાપ ’ , સાતમી આવૃત્તિ , પૃ . ૯૩-૯૪